જીએસટી નંબર લેવાની પળોજણમાં ઘણી વખત આણંદ-નડિયાદના વેપારીઓને માત્ર બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ફરજિયાતપણે વડોદરા જવું પડતું હતું. જોકે, આગામી 1 એપ્રિલથી બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની વ્યવસ્થા આણંદની કચેરીમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેને લઈને આણંદ-ખેડા જિલ્લાના અનેક વેપારીઓ કે જેઓ જીએસટી નંબર લેવા ઈચ્છી રહ્યા છે તેમને ફાયદો થશે. અલબત્ત, હવે ચરોતર વિસ્તારના તમામ નવા જીએસટી નંબર લેવા ઈચ્છુક વેપારીઓને વડોદરા સુધી જવાની જરૂર નહીં પડે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીનો કાયદો 1 જુલાઈ, 2017થી અમલી બન્યો. જોકે, જીએસટીનું અમલીકરણ થયું એ પછી તેમાં તબક્કાવાર અનેક સુધારાઓ આવતા રહ્યા. જોકે, તાજેતરમાં કરવામાં આવેલો એક બદલાવ આણંદ-ખેડાની વેપારી પ્રજા માટે નિરાંતદાયક બની રહેશે.
એક માહિતી અનુસાર, અત્યાર સુધી વેપારીઓને નવા જીએસટી નંબર સંબંધિત કામગીરી માટે અત્યાર સુધી વડોદરા સુધી જવું પડતું હતું. આણંદ અને નડિયાદના વેપારીઓને જીએસટી સંબંધિત કોઈ કામગીરી હોય તો તેમના માટે વડોદરામાં કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જીએસટી નંબર લેવા માટે ડોક્યુમેન્ટસ સહિતની પ્રક્રિયા ઓનલાઈન જ કરવાની રહેતી હતી. પરંતુ ક્યારેક આધાર ઓથેન્ટીકેશન ન થાય તો તેવા કિસ્સામાં ફરજિયાતપણે વેપારીઓને વડોદરા કચેરીનો ધક્કો ખાવો પડતો હતો. જોકે, આગામી 1 એપ્રિલથી સરકાર દ્વારા એક નવો બદલાવ લાવવામાં આવ્યો છે, જેમાં હવે આણંદ ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
દર મંગળવાર અને બુધવાર એમ બે દિવસ સહાયક રાજ્ય વેરા કચેરી ઘટક 51 બીજે માળ અમૂલ ડેરી રોડ આણંદ ખાતે આ સેન્ટર કાર્યરત થશે. જેમાં વડોદરા જીએસટી સેવા કેન્દ્રના અધિકારીઓ કચેરીના કામકાજના સમય દરમિયાન ઉપસ્થિત રહેશે. નવા વેપારીઓના ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને બાયોમેટ્રીક સંબંધિત કામગીરી કરશે.
આમ, હવે આણંદ અને નડિયાદના વેપારીઓને વડોદરા સુધી જવું નહીં પડે.
વેપારીઓનો સમય અને ખર્ચનો બચાવ થશે ઘણી વખત બનતું એવું કે ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા બાદ ઓથેન્ટીકેશન ન થતાં નંબર મેળવવામાં વિલંબ સર્જાતો હતો. વેપારીને તેના વ્યસ્ત સમયમાંથી નંબર લેવાની પ્રક્રિયા માટે છેક વડોદરા જવું પડતું હતું. ક્યારેક સર્વર ડાઉન કે પછી અન્ય કોઈ કારણોસર ત્યાં ગયા પછી સમય વેડફાતો એમ બનતું. જોકે, હવે આણંદમાં જ આ સેવા શરૂ કરવામાં આવતા વેપારીઓનો સમય અને ખર્ચનો બચાવ થશે. નવા વેપારીઓને સરળ, પારદર્શક અને ઝડપી સેવા પ્રાપ્ત થશે. > પ્રમુખ, ધી ટેક્સ પ્રેક્ટીશનર એસોસિયેશન, નડિયાદ.
વેપારની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે ચરોતરના વેપારીઓ માટે આ આનંદની વાત છે અને તેનાથી દરેક વેપારીઓનો સમય બચશે. વેપાર કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. રાજ્ય કર વિભાગ દ્વારા વેપારીઓ માટે નવી સુવિધાઓ અને સરળ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે તે આવકારદાયક છે. > પરાગ દવે, પ્રમુખ, ટેક્સ બાર એસોસિયેશન, આણંદ.
સંપૂર્ણ કામગીરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળ જ કરાશે અમૂલ ડેરી રોડ સ્થિત જૂની પ્રાંત ઓફિસમાં આ નવી વ્યવસ્થા શરૂ કરાશે. આગામી 1 એપ્રિલથી આ સેવા અઠવાડિયાના દર મંગળવાર અને બુધવારે સેવા આપવામાં આવશે. જો આ દિવસે જાહેર રજા આવતી હોય તો રજા ગણાશે. આ માટેના અધિકારીઓ વડોદરાથી જ આવશે અને સંપૂર્ણ કામ વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળ કરાશે. > પી. એમ. ડામોર, નાયબ રાજ્ય વેરા કમિશ્નર, નડિયાદ.