April 13, 2026
April 13, 2026

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટયા બાદ તેના ઉપર લોખંડનો નવો સ્પેન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા સાત  મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં છે ત્યારે હવે આ સ્પેનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા હવે થોડા જ સમયમાં તેના ઉપરથી વાહનવ્યવહાર શરુ કરી દેવામાં આવશે. 

બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા અનેક લોકોને અસર 

આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.  રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે.

લિંક સ્પેન લગાવવાની કામગીરી માટે કોઈ ચાર્જ ન લેવાયો 

વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે.

સરકાર બ્રિજ ખુલ્લો મુકવાની તારીખ નક્કી કરશે 

આ બ્રિજ ફરી શરૂ થવાથી સ્થાનિક રહીશો, રોજગાર માટે અવરજવર કરતા અપડાઉન કરતા લોકો અને વેપારીઓને મોટી રાહત થશે. સરકાર દ્વારા આગામી સમયમાં આ બ્રિજને ક્યારે ખુલ્લો મુકવો તે અંગેની તારીખ નક્કી કરવામાં આવશે. અને ત્યાર બાદ નાના વાહનો માટે આવનજાવન શરુ કરવામાં આવશે.  આ બ્રિજ પરથી પગપાળા ચાલતા લોકો અને ટુ-વ્હીલર ચાલકો ખૂબ જ સરળતાથી પસાર થઈ શકશે, જેનાથી તેમનો સમય અને ઇંધણ બંનેની બચત થશે. સાત મહિનાના લાંબા ઇન્તજાર બાદ ગંભીરા બ્રિજ પર વાહનવ્યવહાર આંશિક રીતે શરૂ થશે ત્યારે  પંથકની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.