અમેરિકા – ઈરાન યુધ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને અનેક સ્થળોએ એલપીજી ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે ત્યારે વડોદરા ગેસ કંપની – વીજીએલ દ્વારા 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાખવામાં આવ્યા છે. વડોદરા ગેસ કંપની પાસે પૂરતો પુરવઠો હોવાનું ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.
ગેસ કંપનીમાં ઇન્કવાયરી વધી
વડોદરા ગેસ કંપનીના એમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરો મેળવવામાં કેટલાક લોકોને તકલીફ પડી રહી છે જેની સામે વડોદરા ગેસ લિમિટેડ કંપનીમાં રોજેરોજ નવી ઇન્કવાયરી આવી રહી છે. અમે જ્યાં ગેસ લાઇન છે ત્યાં ત્વરિત ગેસ કનેક્શન આપી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેસ કનેક્શન નાખવામાં આવી રહ્યા છે. જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં થોડો વિલંબ થઈ રહ્યો છે પરંતુ અમારી ટીમ તેઓને પણ ગેસ મળે તે દિશામાં કાર્યરત છે.
ડોમેસ્ટિકમાં રોજની 1.61 લાખ ક્યુબિક મીટર ગેસની ખપત
એમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા ગેસ કંપની દ્વારા શહેરમાં પુરતો જથ્થો પૂરો પાડવા સક્ષમ છે. હાલમાં ડોમેસ્ટિકમાં 1.61 લાખ ક્યુબિક મીટર અને સીએનજીમાં 2.5 લાખ ક્યુબિક મીટર સપ્લાય આપવામાં આવી રહ્યો છે. કુલ 4.70 લાખ ક્યુબિક મીટર જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. હાલમાં ઈન્ડસ્ટ્રીઝમાં 80 ટકા જથ્થો આપવામાં આવી રહ્યો છે. અમારી પ્રાથમિકતા ઘરેલું ગેસ પૂરો પાડવાની છે.
દોઢ મહિનો ચાલે તેટલો જથ્થો છે
વડોદરા ગેસ લિમિટેડ ગેઈલ ઈન્ડિયા પાસેથી ગેસ પુરવઠો મેળવે છે. વડોદરા ગેસના અધિકારી શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલમાં દોઢ મહિનો કોઈ પણ મુશ્કેલી આવી શકે તેમ નથી. પૂરતો જથ્થો છે. જેથી શહેરીજનોએ કોઈ પણ પ્રકારની અફવામાં આવવાની જરૂર નથી. અમે હાલમાં કોઈ સપ્લાય બંધ કરવાના નથી
કોમર્શિયલમાં વધુ માંગ છે
વીજીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની બુકિંગ બંધ કરી દેવામાં આવી છે જેથી ગેસ કનેક્શન મેળવવા કોમર્શિયલમાં પણ માંગ વધી છે. હાલ સુધીમાં 100 જેટલી ઇન્કવાયરી છે જેમાંથી અમે 65 ચેક કરી ચૂક્યા છે. અમારી એવી કોશિશ છે કે રોજ 5 – 10 કનેક્શન આપી શકીએ. કોમર્શિયલમાં અમારી પ્રાથમિકતા હોસ્પિટલની રહી છે.