June 27, 2026
June 27, 2026

અમદાવાદ અને ગાંધીનગરની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા એક ઐતિહાસિક નિર્ણયમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૨(A)ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૩૦માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ ૨૦૨૯ની વર્લ્ડ પોલીસ ગેમ્સ પહેલાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અંદાજિત રૂ. ૨,૧૬૮ કરોડના ખર્ચે સાકાર થનારા આ નવા મેટ્રો કોરિડોરની કુલ લંબાઈ ૬.૦૩૨ કિલોમીટરની રહેશે, જે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીધું જ મેટ્રો નેટવર્ક સાથે જોડી દેશે. આ નવો ફેઝ કાર્યરત થતાં જ અમદાવાદ અને ગાંધીનગર પાસે કુલ ૭૭.૬૩ કિલોમીટર લાંબું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક ઉપલબ્ધ થઈ જશે, જે મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.

કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલો આ નવો કોરિડોર કોટેશ્વર રોડથી શરૂ થઈને સીધો એરપોર્ટ સુધી લંબાવવામાં આવશે. આ ૬ કિલોમીટરના સમગ્ર રૂટ પર કુલ ૫ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની ભૌગોલિક વિશેષતા એ છે કે તેમાં આશરે ૫ કિલોમીટરનો ભાગ એલિવેટેડ (એલાર્મ્ડ ટ્રેક) રહેશે, જ્યારે એરપોર્ટ નજીકનો આશરે ૧ કિલોમીટર જેટલો ભાગ અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) રાખવામાં આવશે. આ રૂટમાં ૪ એલિવેટેડ અને ૧ અંડરગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. નવો ફેઝ કાર્યરત થવાથી એરપોર્ટની કનેક્ટિવિટી સીધી જ ગાંધીનગર, અમદાવાદ શહેર અને ગિફ્ટ સિટી (GIFT City) સાથે થઈ જશે, જેનાથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારે ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે અને તેઓ સીધા જ મેટ્રો દ્વારા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.

મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર આનંદ સિંઘ બીસ્ટે આ ડીપીઆર (DPR) મંજૂરી બદલ ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ, કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, નીતિ આયોગ અને આર્થિક બાબતોના વિભાગ સહિતના તમામ સહયોગી તંત્રોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના ભારતના શહેરોમાં વિશ્વસ્તરીય મેટ્રો સેવાઓ વિકસાવવાના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર એરપોર્ટ કનેક્ટિવિટી જ નહીં, પરંતુ મોટેરામાં બની રહેલા ભવ્ય કોમનવેલ્થ ગેમ્સ સ્ટેડિયમ, સાબરમતી નદીની આસપાસના નવા કોમ્પ્લેક્સ અને સરદારનગર જેવા જૂના રહેણાંક વિસ્તારોને પણ આધુનિક પરિવહનથી સાંકળી લેશે. આનાથી રોડ ટ્રાફિક અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે, માર્ગ સુરક્ષા વધશે અને મુસાફરીનો સમય ઘટતાં નાગરિકોની ઉત્પાદકતા તેમજ સ્થાનિક વેપાર-રોજગારને જબરદસ્ત વેગ મળશે.