June 26, 2026
June 26, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનરજીની પાર્ટીના માત્ર ૬૦ જેટલા ધારાસભ્યો જ અલગ થવાના માર્ગે નથી, પરંતુ ૨૦થી વધુ સાંસદોએ પણ બળવાના સંકેતો આપ્યા છે. આ આંતરિક ભંગાણ અને રાજકીય કટોકટી વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલય (મર્જર) કરવાની સામેથી ઓફર આપી હોવાના અહેવાલોથી દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સોનિયા ગાંધીએ મમતા બેનરજીને ફોન કરીને આ પ્રસ્તાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સતત વધી રહેલા રાજકીય હુમલાઓ અને આમ આદમી પાર્ટી (AAP) જેવી સ્થિતિથી બચવા માટે તૃણમૂલનો કોંગ્રેસમાં વિલય કરવો એ જ યોગ્ય વિકલ્પ છે. સોનિયા ગાંધીએ આ વિલયના બદલામાં મમતા બેનરજીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની અને તેમના ભત્રીજા અભિષેક બેનરજીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવાની ઓફર મૂકી છે. પક્ષના આંતરિક અસંતોષ અને મુશ્કેલ પરિસ્થિતિને જોતાં મમતા બેનરજી આ વિલય માટે સૈદ્ધાંતિક રીતે તૈયાર હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ તેમણે આખરી નિર્ણય માટે થોડા દિવસોનો સમય માંગ્યો છે.

બીજી તરફ, આ વિલયની વાટાઘાટોને આગળ ધપાવવા માટે દિલ્હીમાં ૧૦ જનપથ ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. મમતા બેનરજીએ છેલ્લા બે દિવસમાં (૮ અને ૯ જૂન) સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ, આજે રાહુલ ગાંધી અને તૃણમૂલના વરિષ્ઠ નેતા અભિષેક બેનરજી વચ્ચે અંદાજે દોઢ કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અભિષેક બેનરજીએ કોંગ્રેસ નેતૃત્વ સામે કેટલીક આકરી શરતો મૂકી છે. તેમણે માંગ કરી છે કે મમતા બેનરજીને કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવે અને મલ્લિકાર્જુન ખડગેના સ્થાને તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું શક્તિશાળી પદ સોંપવામાં આવે. જો કે, તૃણમૂલ તરફથી મુકાયેલી આ શરતો અંગે કોંગ્રેસ હાઈકમાન્ડનું વલણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.